Virat Gujarat
CSR પ્રવૃત્તિઓબિઝનેસ

GI ટેગ અને આધુનિક ક્રાંતિ: વિશ્વબજારમાં ગીર કેસર કેરીની સ્વાદિષ્ટ સફર

ગુજરાતના ગીર પંથકની ઓળખ સમાન ‘ગીર કેસર’ કેરી માત્ર એક ફળ નથી, પણ વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ છે. તેનો સોનેરી કેસરી રંગ, મનમોહક સુગંધ અને અદ્ભુત સ્વાદ દુનિયાભરના લોકોને ઘેલા કરે છે. બદલાતા સમય સાથે, આ પરંપરાગત પાકને જ્યારે જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અને આધુનિક ટેક્નોલોજીનું પીઠબળ મળ્યું છે, ત્યારે ગીરની કેસરે વિશ્વબજારમાં સફળતાનો એક નવો ઈતિહાસ રચ્યો છે.

વર્ષ ૨૦૧૧માં ગીર કેસર કેરીને મળેલો GI ટેગ તેના માટે ખૂબ મોટો વળાંક સાબિત થયો હતો. આ ટેગના કારણે ગીર અને તેની આસપાસના ચોક્કસ વિસ્તારોમાં પાકતી કેરીને જ સત્તાવાર રીતે ‘ગીર કેસર’ તરીકે વેચવાની કાનૂની માન્યતા મળી. આનાથી બજારમાં અન્ય વિસ્તારોની કેરીને ગીરના નામે વેચતા નકલી તત્વો સામે રક્ષણ મળ્યું છે. પરિણામે, યુરોપ, અમેરિકા અને અખાતી દેશોના ગ્રાહકો હવે શુદ્ધતાની ગેરંટી સાથે આંખ બંધ કરીને આ કેરી ખરીદે છે અને વૈશ્વિક સ્તરે ભારતની શાખ મજબૂત બની છે.

અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો માટે ઉનાળાની આકરી ગરમીમાં મીઠાશ ઘોળવા માટે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે બહુપ્રતિક્ષિત “કેસર કેરી મહોત્સવ-૨૦૨૬”નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રો દ્વારા આયોજિત આ મહોત્સવનો મુખ્ય આશય ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મેળવી આપવાનો અને શહેરીજનોને શુદ્ધ તેમજ રસાયણમુક્ત ફળો પૂરા પાડવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭થી ગુજરાતમાં કેસર કેરી મહોત્સવની જે પ્રેરક શરૂઆત કરાવી હતી, તેને રાજ્ય સરકાર દર વર્ષે સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. આ મહોત્સવ માત્ર ખરીદીનું કેન્દ્ર નથી, પરંતુ શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું મધ્યમ બન્યો છે. ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫ના કેસર કેરી મહોત્સવમાં અમદાવાદીઓએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને માત્ર એક જ મહિનામાં રૂ.૪ કરોડની કિંમતની ૩.૩૦ લાખ કિલોગ્રામથી વધુ કેરીની રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી. આ ઉપરાંત, તાજેતરમાં જ સુરત ખાતે યોજાયેલા પાંચ દિવસીય કેરી મહોત્સવમાં પણ રૂ.૧.૮૪ લાખથી વધુ કિંમતની ૫,૬૮૫ કિલો કેરી ખરીદીને ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો, જેને જોતાં આ વર્ષે પણ અમદાવાદમાં વેચાણના નવા વિક્રમો સર્જાય તેવી પૂરી સંભાવના છે.

આધુનિક ટેક્નોલોજીના સંગમે ગીર કેસરને વાડીથી લઈને વિદેશના આધુનિક મોલ સુધી પહોંચાડી દીધી છે. આજે ગીરના ખેડૂતો માત્ર પરંપરાગત ખેતી પર નિર્ભર નથી. આંબાના બગીચાઓમાં રોગ-જીવાતની વહેલી ઓળખ માટે ડ્રોન અને સેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી જંતુનાશકોનો વપરાશ ઘટ્યો છે અને કેરી ઓર્ગેનિક તરફ વળી છે. આ ઉપરાંત, વિદેશ નિકાસ વખતે કેરી લાંબા સમય સુધી તાજી રહે તે માટે આધુનિક ઈરેડિયેશન અને હોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હવે પ્રીમિયમ કેસર કેરીના બોક્સ પર QR કોડ પણ જોવા મળે છે, જેને સ્કેન કરીને વિદેશમાં બેઠેલો ગ્રાહક જાણી શકે છે કે આ કેરી ગીરના કયા ગામના અને કયા ખેડૂતના આંબા પરથી ઉતારવામાં આવી છે.

ટેક્નોલોજી અને GI ટેગના આ અદ્ભુત સમન્વયથી વચેટિયાઓની પ્રથા નાબૂદ થઈ છે. ઈ-કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગના માધ્યમથી ગીરના સ્થાનિક ખેડૂતો અને સહકારી મંડળીઓ સીધી જ લંડન, ન્યૂયોર્ક કે દુબઈના બાયર્સ સાથે વેપાર કરતી થઈ છે. આનાથી ખેડૂતોને તેમના પાકના વૈશ્વિક સ્તરના ઊંચા ભાવો મળી રહ્યા છે, જે તેમની આર્થિક સમૃદ્ધિમાં મોટો વધારો કરે છે. ગીર કેસર કેરીની આ સફર એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જો આપણી પરંપરાગત વિરાસતને આધુનિક વિજ્ઞાન અને કાનૂની સુરક્ષાનું પીઠબળ મળે, તો સ્થાનિક પ્રોડક્ટ પણ ગ્લોબલ બ્રાન્ડ બની શકે છે. ‘વોકલ ફોર લોકલ’થી શરૂ થયેલી આ સફર આજે ગીર કેસરને સાચા અર્થમાં ‘ગ્લોબલ’ બનાવી ચૂકી છે.

‘કેસર બેલ્ટ’ તરીકે ઓળખાતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગીર કેસર કેરીનું ઉત્પાદન વધ્યું છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગીર કેસરની નિકાસ કરવામાં આવે છે, છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ નોંધાઈ છે.જે નિકાસકાર/ખેડૂતો ફળ અને શાકભાજી નિકાસ કરવા માગતા હોય તેમણે પોતાની વાડી/ખેતરનું અપેડાના Hortinet પોર્ટલ પર ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જે અંતર્ગત ફોર્મ (Appendix-A) ભરી જે તે જિલ્લાની બાગાયત કચેરી પર આપવાનું હોય છે, Hortinet પોર્ટલ પર ફાર્મ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નિ:શુલ્ક છે. GI ટેગ, આધુનિક નિકાસ સુવિધા અને વૈશ્વિક માગના કારણે ગીર કેસર કેરી આજે માત્ર ફળ નહીં પરંતુ ગુજરાતની કૃષિ સમૃદ્ધિ, ખેડૂતોની મહેનત અને વૈશ્વિક ગુણવત્તાનું પ્રતીક બની છે.

Related posts

પોલિકેબ ઈન્ડિયા ફેન કેટેગરીમાં તેની પકડ મજબૂત કરે છે; સુપર ROI ફેનસ લોન્ચ કર્યા – સુપિરિયર એર ડિલિવરી, સુપિરિયર સેવિંગ્સ

viratgujarat

મલેશિયા એરલાઇન્સે ‘પાયલટ પાર્કર: એ સ્ટોરી ઓફ મલેશિયન હોસ્પિટાલિટી’ નામનું નવું કેરેક્ટર-લેડ કેમ્પેઈન લોન્ચ કર્યું

viratgujarat

દુબઈમાં આ ઉનાળામાં તમારા પરિવાર સાથે અજમાવવા જેવી 5 રોમાંચક નવી પ્રવૃત્તિઓ

viratgujarat

Leave a Comment