Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

અમદાવાદની બોક્સર કાવ્યા જોશીએ રોપ સ્કિપિંગમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

— 18 વર્ષીય કાવ્યાએ શરીર પર 9 કિલો વધારાનું વજન રાખીને રોપ સ્કિપિંગના 25 અલગ-અલગ પ્રકારો રજૂ કરતાં માત્ર પાંચ મિનિટમાં 750 સ્કિપ્સ પૂર્ણ કર્યા.

અમદાવાદ, ગુજરાત | ૧૬ નવેમ્બર ૨૦૨૬ | અમદાવાદની 18 વર્ષીય નેશનલ લેવલની બોક્સર કાવ્યા જોશીએ પાંચ મિનિટમાં શરીર પર 9 કિલો વધારાનું વજન રાખીને રોપ સ્કિપિંગના 25 અલગ-અલગ પ્રકારો રજૂ કરતાં 750 સ્કિપ્સ પૂર્ણ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. આ રેકોર્ડનો પ્રયાસ ગોતા સ્થિત ‘સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ’ ખાતે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સીઈઓ પાવન સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

રાજ્ય સ્તરે અનેક વખત બોક્સિંગ ચેમ્પિયન રહી ચૂકેલી કાવ્યાએ ઘણી નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને સબ-જુનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

કાવ્યાએ આ ચેલેંજિંગ રેકોર્ડ માટે છ મહિના અગાઉથી તૈયારી શરૂ કરી હતી. આ માટે તેમણે સર્ટિફાઇડ ગવર્નમેન્ટ ફિટનેસ એન્ડ એનઆઈએસ સ્પોર્ટ્સ કોચ અમનદીપ સિંહ ગોત્રાનું માર્ગદર્શન મળ્યું હતું, જેઓ પ્રધાનમંત્રી પુરસ્કાર પ્રાપ્તકર્તા અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં રેકોર્ડ હોલ્ડર પણ છે. તેમની તૈયારીમાં દરરોજ 4થી 5 કલાકની સઘન તાલીમ, સુવ્યવસ્થિત ન્યુટ્રિશન્સ, 4થી 5 રિકવરી સેશન અને સ્ટ્રેન્થ, સ્ટેમિના તથા સહનશક્તિ વિકસાવવા માટે વધારાની વેઇટ ટ્રેનિંગનો સમાવેશ થતો હતો.

આ સિદ્ધિ મેળવ્યા બાદ કાવ્યાએ જણાવ્યું હતું કે, “આ રેકોર્ડ છ મહિનાની સખત મહેનત, શિસ્ત અને દૃઢ નિશ્ચયનું પરિણામ છે. પગમાં થયેલી ઈજા બાદ મારી સફર ખાસ કરીને પડકારજનક રહી હતી, પરંતુ મારા કોચ અને પરિવાર સતત મારી પડખે ઊભા રહ્યા હતા. આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવાનો મને ગર્વ છે અને હવે હું રમતગમત ક્ષેત્રે વધુ મોટાં લક્ષ્યો હાંસલ કરવા માટે ઉત્સુક છું.”

કોચ અમનદીપ સિંહ ગોત્રાએ જણાવ્યું હતું કે, “કાવ્યાએ અસાધારણ દૃઢ નિશ્ચય અને સંઘર્ષશીલતાનું પ્રદર્શન કર્યું છે. તેની તૈયારીમાં સ્ટ્રેન્થ, સ્ટેમિના, સંકલન અને સહનશક્તિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શિન અને ઘૂંટણમાં ગંભીર ઈજાના કારણે મોટો અવરોધ ઊભો થયો હોવા છતાં, તે પોતાના લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહી અને પોતાની સખત મહેનતને એક શાનદાર સિદ્ધિમાં પરિવર્તિત કરવામાં સફળ રહી.”

કાવ્યાએ 10 વર્ષની ઉંમરે બોક્સિંગની શરૂઆત કરી હતી અને ત્યારથી તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. તેણે ખેલ મહાકુંભમાં અનેક રાજ્ય કક્ષાના ખિતાબો પણ જીત્યા છે. હાલમાં તે એલ.જે. યુનિવર્સિટીની એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં અભ્યાસ કરી રહી છે અને તેની સાથે જ સ્પર્ધાત્મક રમતગમત ક્ષેત્રે પોતાની સફર પણ આગળ વધારી રહી છે.

તેના માતા-પિતા હિતેશ અને અર્ચિતા જોશી તેની આ સમગ્ર સફરમાં સતત પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે અને તેમણે દરેક તબક્કે તેને સાથ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

== સમાપ્ત ==

Related posts

GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેકસ્ટ એન્જિનિયર્સના બેંગલુરુ, ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી

viratgujarat

Yi અમદાવાદના ૨૦ વર્ષની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ: સાંઈરામ દવે સાથે હાસ્ય અને સંસ્મરણોની એક સાંજ

viratgujarat

FLO અને YFLO અમદાવાદ દ્વારા ડિમ્પલ જાંગડા સાથે પાવરફુલ વેલનેસ સેશનનું આયોજન

viratgujarat

Leave a Comment