Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’ ડાકોર ખાતે પહોંચી; ભક્તિ અને પરમાત્મા વચ્ચેના શાશ્વત સંબંધની ઉજવણી

પવિત્ર રણછોડરાયજી મંદિરમાં યાત્રા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના મહિમા અને ભક્ત બોડાણાની અવિસ્મરણીય ગાથાનું સ્મરણ કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિના શાશ્વત મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

ડાકોર, ગુજરાત | ૧૬ નવેમ્બર ૨૦૨૬ | પ્રખર આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના મર્મજ્ઞ પૂજ્ય મોરારી બાપુના નેતૃત્વ હેઠળની ‘ભારત સ્વસ્તિક યાત્રા’ 16 નવેમ્બરના રોજ ગુજરાતના ડાકોર ખાતે આવી પહોંચી.  દ્વારકાથી જગન્નાથપુરી સુધીની યાત્રાના બીજા ચરણના ભાગરૂપે અહીં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કૃષ્ણભક્તિના એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઓળખાતા ડાકોરનો વિશેષ સંબંધ ભગવાન શ્રીકૃષ્ણના લોકપ્રિય સ્વરૂપ શ્રી રણછોડરાયજી સાથે વિશેષ રીતે જોડાયેલો છે. આ યાત્રા એક એવા પવિત્ર તીર્થધામે પહોંચી હતી, જેની આધ્યાત્મિક ઓળખ ભક્ત અને પરમાત્મા વચ્ચેના શાશ્વત સંબંધમાં મૂળ ધરાવે છે.

રણછોડરાયજી મંદિર એ ગુજરાતનાં અગ્રણી વૈષ્ણવ તીર્થધામોમાંનું એક છે. મંદિરની પરંપરાઓ ભક્ત બોડાણાની કથા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. સ્થાનિક લોકવાયકા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત બોડાણા દર છ મહિને તુલસીપત્ર લઈને ભગવાનનાં દર્શન કરવા ડાકોરથી દ્વારકા જતા હતા. સમય જતાં તેમની ઉંમર વધતાં આ લાંબી યાત્રા કરવી વધુ મુશ્કેલ બનતી ગઈ. ત્યારે તેમની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણે તેમની સાથે ડાકોર પરત આવવાનું વચન આપ્યું હોવાનું માનવામાં આવે છે.

મંદિરની પરંપરા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ બોડાણાની બળદગાડામાં બેસીને દ્વારકાથી ડાકોર આવ્યા હતા અને આ રીતે તેમણે પોતાના ભક્તને આપેલું વચન પૂર્ણ કર્યું હતું. લોકવાયકા મુજબ, જ્યારે દ્વારકાના પૂજારીઓ ભગવાનની મૂર્તિ પરત મેળવવા માટે બોડાણાનો પીછો કરતા ડાકોર પહોંચ્યા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ડાકોરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. બોડાણાના અવસાન બાદ તેમનાં પત્ની ગંગાબાઈએ ભગવાનની મૂર્તિના વજન સામે પોતાના નાકમાં પહેરેલી નાની સોનાની નથ અર્પણ કરી હતી. લોકવાયકા અનુસાર, ત્રાજવામાં મૂર્તિ અને નથબંનેનું વજન એકસમાન થયું હતું. આ પ્રસંગ આજે પણ એ અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે કે સાચી ભક્તિનું મૂલ્ય ભૌતિક સંપત્તિ કરતાં અનેકગણું વધારે હોય છે.

પૂજ્ય મોરારીબાપુએ કહ્યું હતું કે, “સાચી સફર એ જ કરી શકે છે, જે સહન કરતાં જાણે છે (સફર તે જ કરી શકે છે, જે ‘સફર’ કરવાનું જાણે છે). સાધુનું ભૈરવ ભજન પણ મુશ્કેલીઓનો સ્વીકાર કરીને આધ્યાત્મિક સાધનાના માર્ગે અડગ રહેવાની પ્રેરણા આપે છે.”

ડાકોરનું સ્વસ્તિક ચાર મહત્ત્વપૂર્ણ આધારસ્તંભો પર આધારિત છે – બોડાણા ચરિત્ર, પુનિત પરંપરા, મનસુખરામ માસ્તર અને શિવ ચરિત્ર. આ ચારેય ડાકોરની આધ્યાત્મિક ચેતના, અતૂટ શ્રદ્ધા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે.

“આજે મનસુખરામ માસ્તરના જીવનનું વિસ્તૃત વર્ણન કરતાં તેમની ભક્તિ, ત્યાગ અને સમર્પણની અસાધારણ ગાથાનું સ્મરણ થયું. તેમનું જીવન અત્યંત હૃદયસ્પર્શી છે અને આપણને અતૂટ શ્રદ્ધાની શક્તિનો અહેસાસ કરાવે છે.”

સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત ભારત સ્વસ્તિક યાત્રા ભારતનાં મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની યાત્રા કરી રહી છે. આ યાત્રા સનાતન ધર્મના આદર્શો દ્વારા દેશની વિવિધ પ્રાદેશિક પરંપરાઓને એકસૂત્રમાં પરોવવાનું કાર્ય કરી રહી છે.

ડાકોરના મહત્વ અને ભારત સ્વસ્તિક યાત્રામાં તેના સ્થાન વિશે વાત કરતાં મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “બોડાણા અને ગંગાબાઈની ગાથા સુંદર રીતે દર્શાવે છે કે સાચી ભક્તિ ભૌતિક સંપત્તિ અને શારીરિક મર્યાદાઓથી પણ પરે હોય છે. ભારત સ્વસ્તિક યાત્રા જ્યારે દેશનાં પવિત્ર તીર્થસ્થળોમાંથી પસાર થાય છે, ત્યારે તેને એવી ગાથાઓ અને પરંપરાઓનો પરિચય થાય છે, જે પેઢી દર પેઢી જળવાઈ રહી છે અને આજે પણ આપણા આધ્યાત્મિક વારસાને અર્થસભર બનાવે છે. આ યાત્રા દ્વારા અમારો પ્રયાસ ભારતની આ શાશ્વત આધ્યાત્મિક પરંપરાઓની ઉજવણી કરવાનો અને તેમની સાથે ફરીથી જોડાવાનો છે.”

યાત્રાના બંને ચરણો – કન્યાકુમારીથી કેદારનાથ અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીની યાત્રા – મળીને ભારતનાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને આવરી લે છે. આ યાત્રા દેશના વિવિધ પ્રદેશોને તેમનાં પવિત્ર તીર્થસ્થળો, નદીઓ, યાત્રાધામોની પરંપરાઓ અને સહિયારા સાંસ્કૃતિક વારસા દ્વારા એકબીજા સાથે જોડે છે.

આ યાત્રાનો ભૌગોલિક અને સાંસ્કૃતિક વ્યાપ ભારતના રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની ભાવના સાથે પણ સુમેળ સાધે છે. રાષ્ટ્રગાનમાં પંજાબ, ગુજરાત, મરાઠા પ્રદેશ, દ્રવિડ, ઉત્કલ અને બંગાળ જેવા પ્રદેશોનો ઉલ્લેખ છે, સાથે જ ગંગા અને યમુના જેવી નદીઓ, હિમાલય અને મહાસાગરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યાત્રાનો માર્ગ પેરિયાર, તુંગા, તુંગભદ્રા, ભીમા, નર્મદા, બેતવા, રાવી, તાવી, મંદાકિની, ગોમતી, ક્ષિપ્રા, મહાનદી, જલંગી, હુગલી અને દયા સહિતની અન્ય અનેક મહત્ત્વપૂર્ણ નદીઓ સાથે સંકળાયેલા પ્રદેશોમાંથી પણ પસાર થાય છે.

ભારતીય પરંપરાઓમાં મંગળતા અને કલ્યાણના પ્રતીક એવા પ્રાચીન સ્વસ્તિક ચિહ્નથી પ્રેરિત આ યાત્રા સમરસતા, સર્વજનહિત અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે. આ યાત્રા આદિ શંકરાચાર્યના વિચારો અને કાર્યથી પણ પ્રેરિત છે. આદિ શંકરાચાર્યએ ભારતભરમાં પ્રવાસ કરીને સનાતન ધર્મની દાર્શનિક અને આધ્યાત્મિક પરંપરાઓના માધ્યમથી દેશના વિવિધ પ્રદેશોને એકસૂત્રમાં જોડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું.

પૂજ્ય મોરારીબાપુની રામકથાઓના પાયામાં રહેલાં સત્ય, પ્રેમ અને કરુણા – આ ત્રણ સાર્વત્રિક મૂલ્યોને આ યાત્રા દેશભરમાં વિસ્તારે છે. આધ્યાત્મિકતા, સંવાદ અને સહિયારા સાંસ્કૃતિક વારસાના માધ્યમથી આ યાત્રા વિવિધ સમુદાયોને એકસૂત્રમાં જોડવાનું કાર્ય કરે છે.

યાત્રા દરમિયાન યોજાતી રામકથા અને અન્ય તમામ કાર્યક્રમો નિઃશુલ્ક છે અને સૌ કોઈ માટે ખુલ્લા છે. દરેક સ્થળે પ્રસાદ સ્વરૂપે ભંડારા (શાકાહારી સામૂહિક ભોજન)નું પણ આયોજન કરવામાં આવે છે.

== સમાપ્ત ==

Related posts

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે

viratgujarat

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કશ્યપ પ્રજાપતિ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા

viratgujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

viratgujarat

Leave a Comment