જામનગર (ગુજરાત), ૬ ઓક્ટોબર ૨૦૨૬: વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રાણી કલ્યાણ પ્રત્યે સમર્પિત પરોપકારી અનંત એમ. અંબાણીએ વ્યવહારુ અને ટકાઉ ઉકેલો દ્વારા સામુદાયિક પ્રાણી કલ્યાણને મજબૂત બનાવવા માટે વનતારાની નવી પહેલ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ની જાહેરાત કરી છે.
આ પહેલ સમગ્ર ભારતમાંથી ૫૦થી વધુ એવી પ્રાણી કલ્યાણ સંસ્થાઓને જોડવામાં આવી છે, જે શેરીના કે સામુદાયિક શ્વાન, બિલાડીઓ અને મોટા પ્રાણીઓની સંભાળ રાખે છે તેમજ પશુચિકિત્સા માટે હોસ્પિટલ સેવાઓ, મોબાઈલ રેસ્ક્યુ તથા દીર્ઘકાલીન સંભાળ પૂરી પાડે છે.
‘ચેમ્પિયન્સ ઓફ કેર’ના કેન્દ્રમાં એક સર્વાનુમત રહેલો છે: દરેક સામુદાયિક પ્રાણી સંભાળ, સુરક્ષા અને આત્મગૌરવ મેળવવાને હકદાર છે. આમાં શેરીઓમાં વસતા શ્વાન અને બિલાડીઓ, ત્યજી દેવાયેલા અને કામકરતાં પ્રાણીઓ જેવા કે ગાય-ભેંસ, ગર્દભ અને ઘોડા તેમજ ઈજા, ત્યાગ કે ઉપેક્ષા બાદ બચાવાયેલા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ પૈકી ઘણાં પ્રાણીઓને પશુચિકિત્સા, આશ્રય, પોષણ અને લાંબાગાળાની માવજતની જરૂર હોય છે; જ્યારે સામુદાયિક શ્વાન અને બિલાડીઓ માટે એનિમલ બર્થ કંટ્રોલ (પ્રાણી જન્મ નિયંત્રણ) કાર્યક્રમો સહિત વસ્તી નિયંત્રણ કાર્યક્રમ પણ આવશ્યક છે.
દેશમાં પ્રાણી કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે રચાયેલી વૈધાનિક સલાહકાર સંસ્થા ‘એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા’ (AWBI)ના આઠ સભ્યોએ પણ આ સંમેલનમાં ભાગ લીધો હતો.
આ પહેલ દ્વારા દેશભરમાં વાર્ષિક અંદાજે ૨૦ લાખ પ્રાણીઓને પશુચિકિત્સા, બચાવ, આશ્રય, આહાર અને દીર્ઘકાલીન સંભાળ મારફતે મદદ પહોંચાડવાનો અંદાજ છે.
“એવા અસંખ્ય લોકો છે જેઓ શાંતિપૂર્વક દરરોજ અપાર કરુણા સાથે જરૂરિયાતમંદ પ્રાણીઓની સંભાળ રાખે છે—ઘણીવાર મર્યાદિત સંસાધનો અને બહુ ઓછી કદર થતી હોવા છતાં, તેમનું કાર્ય આપણને યાદ અપાવે છે કે દયાની કોઈ સીમા નથી હોતી અને દરેક જીવન કાળજી, રક્ષણ તથા ગૌરવનું હકદાર છે. ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ દ્વારા, અમે આ કાર્યમાં ખભેખભા મિલાવીને ઊભા રહેવા, સામુદાયિક પ્રાણીઓ માટે ઉપલબ્ધ સંભાળને મજબૂત કરવા અને વધુ સંવેદનશીલ ભારતનું નિર્માણ કરવામાં સહયોગી બનવા માંગીએ છીએ. અમારા માટે ‘એવરી લાઈફ મેટર્સ’ (દરેક જીવન મૂલ્યવાન છે)નો સાચો અર્થ આ જ છે,” –– અનંત એમ. અંબાણી
“‘ચેમ્પિયન્સ ઓફ કેર’ને સાકાર કરવા માટે હું શ્રી અનંત અંબાણીજીના દ્રષ્ટિકોણ અને નેતૃત્વની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. મેં વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે, પરંતુ ભાગ્યે જ એવું કોઈ પ્રાણી સંભાળ કેન્દ્ર જોયું છે જ્યાં પ્રાણીઓ માટે આટલી અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી ઉપલબ્ધ હોય, જેનું સ્તર આપણે મનુષ્યોને પૂરી પાડવા માંગીએ છીએ તેવી ઉત્કૃષ્ટ કાળજીની સમકક્ષ છે. મને સૌથી વધુ સ્પર્શી ગયું હોય તો તે સંસ્થાઓની વાત રૂબરૂ સાંભળવાનો, જમીની સ્તરે તેમની મુશ્કેલીઓને સમજવાનો અને વ્યવહારુ તથા દીર્ઘકાલીન ઉકેલો આપવાનો તેમનો અંગત પ્રયાસ છે. આ સંસ્થાઓને એક મંચ પર લાવીને તેઓ માત્ર તેમના સમર્પણનું સન્માન નથી કરી રહ્યા, પરંતુ પ્રાણીઓની સંભાળ રાખવાની તેમની સામૂહિક ક્ષમતાને પણ મજબૂત કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં સામુદાયિક પ્રાણીઓના કરુણામય ભવિષ્ય તરફનું આ એક સાર્થક પગલું છે,” – એસ. પી. ગુપ્તા, પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય, AWBI
વનતારા અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓ વચ્ચે પરસ્પર સમજૂતી પત્ર (LoU) પર હસ્તાક્ષર
વનતારા ખાતે યોજાયેલું આ બે દિવસીય સંમેલન ઔપચારિક બેઠકથી ઘણું આગળ વધીને આયોજિત કરાયું હતું. પ્રથમ દિવસે, પ્રતિનિધિઓએ વનતારાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો અને જોયું કે કેવી રીતે વિશિષ્ટ સુવિધાઓ, પ્રણાલીઓ અને પદ્ધતિઓ દ્વારા કરુણા વાસ્તવિક સેવામાં પરિણમે છે. વનતારાએ બચાવેલા હાથીઓ તથા સિંહ, વાઘ અને દીપડા સહિતના બિલાડી કુળના મોટા હિંસક વન્યજીવોની સારસંભાળ માટે સમર્પિત સુવિધાઓની તેમણે મુલાકાત લીધી હતી; તેમજ મુક્તપણે વિચરતા તૃણાહારી પ્રાણીઓ જેવા કે ગૌર (બાઇસન), ઝીબ્રા અને વિવિધ હરણ-કાળિયાર પ્રજાતિઓની સંભાળ રાખવામાં આવે છે એવા કુદરતી પર્યાવરણને નિહાળ્યું હતું. આ મુલાકાતે પ્રતિનિધિઓને એ સમજવાની તક પૂરી પાડી કે પ્રાણી કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પોષણ, પશુચિકિત્સા, આવાસ, વાતાવરણ અનુકૂલન (એનરિચમેન્ટ) અને આજીવન સંભાળ કેવી રીતે એકસાથે કામ કરે છે; જેમાંના ઘણા સિદ્ધાંતો સામુદાયિક પ્રાણીઓની સંભાળ માટે પણ એટલા જ પ્રસ્તુત છે.
બીજો દિવસ પરસ્પર જોડાણ, સંવાદ અને સહયોગ પર કેન્દ્રિત હતો, જેમાં સહભાગી સંસ્થાઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, સામાન્ય પડકારોની ચર્ચા કરી અને જ્યાં સહાયની જરૂર છે તેવા ક્ષેત્રોની ઓળખ કરી. તેઓએ જ્ઞાન, નિપુણતા, ક્ષમતાઓ અને સંસાધનોના આદાનપ્રદાન દ્વારા ઉકેલો વિચાર્યા; અને સ્વીકાર્યું કે સહયોગ દ્વારા પ્રાણીઓની સંભાળમાં આવતા ઘણા પડકારોનું નિરાકરણ લાવી શકાય છે.
આ સંમેલનનું એક મુખ્ય સીમાચિહ્ન વનતારા અને તમામ સહભાગી પ્રાણી કલ્યાણ સંસ્થાઓ વચ્ચે ‘લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગ’ (સમજૂતી પત્ર) પર હસ્તાક્ષર કરવાનું રહ્યું, જે સામુદાયિક પ્રાણી કલ્યાણને મજબૂત કરવા સાથે મળીને કામ કરવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને ઔપચારિક સ્વરૂપ આપે છે. આ સમજૂતી સહયોગ, જ્ઞાનના આદાનપ્રદાન, ક્ષમતા નિર્માણ અને વ્યવહારુ સહાય માટેનું માળખું પૂરું પાડે છે, જેથી સંસ્થાઓ જમીની વાસ્તવિકતા અને જરૂરિયાતો અનુસાર ઉકેલો પર સાથે મળીને કાર્ય કરી શકે.
સંમેલનના સમાપન પ્રસંગે, પ્રાણીઓની સંભાળ અને કલ્યાણ પ્રત્યેના તેમના સમર્પણ અને અથાક પ્રયાસોની કદરરૂપે દરેક સહભાગી સંસ્થાને શ્રી અનંત અંબાણી દ્વારા હસ્તાક્ષરિત પ્રશંસાપત્ર (સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન) એનાયત કરવામાં આવ્યું હતું.
સંસ્થાઓને જ્યાં સૌથી વધુ જરૂર છે ત્યાં સહાય
આ પહેલ સહભાગી પ્રાણી કલ્યાણ સંસ્થાઓ દ્વારા ઓળખવામાં આવેલી વિવિધ જરૂરિયાતોને સહાય પૂરી પાડશે, જેમાં માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), પ્રાણી આવાસ, એમ્બ્યુલન્સ અને મોબાઈલ સેવાઓ, બચાવ સાધનો અને ઓજારો, નિદાન અને સારવારના ઉપકરણો, તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ આજીવન સંભાળ માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે.
સંસ્થાઓ વધુ કાર્યક્ષમ, મજબૂત અને ટકાઉ કેન્દ્રો વિકસાવી શકે તે માટે માળખાગત સહાયમાં સોલાર પાવર સિસ્ટમ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણી સંગ્રહ) સિસ્ટમ અને સુધારેલી ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થશે. કેટલીક સંસ્થાઓએ બાળકો અને યુવાનો માટે શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમો તેમજ ચેપી રોગોના વધતા પ્રમાણને પહોંચી વળવા માટે ક્વોરેન્ટાઇન અને રોગ નિયંત્રણ વ્યવસ્થાપન માળખાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
આ પહેલ એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી ટકાઉ ઉકેલો પૂરા પાડી શકાય, જે સંસ્થાઓની આંતરિક ક્ષમતાઓને સુદ્રઢ કરે અને ટૂંકા ગાળાની સહાય પરની તેમની નિર્ભરતા ઘટાડે.
રાષ્ટ્રીય સ્તરે મજબૂત નેટવર્કનું નિર્માણ
‘ચેમ્પિયન્સ ઓફ કેર’ની પરિકલ્પના એક વિસ્તરતી રાષ્ટ્રીય પહેલ તરીકે કરાઈ છે, જેમાં આગામી વર્ષોમાં વધુ પ્રાણી કલ્યાણ સંસ્થાઓ આ નેટવર્ક સાથે જોડાય તેવી અપેક્ષા છે. જેમ જેમ આ પહેલ વિસ્તરશે, તેમ તેમ તે સંસ્થાઓને જ્ઞાન અને નિપુણતા વહેંચવાની, ક્ષમતા વધારવાની અને પ્રાણી કલ્યાણ માટે વધુ મજબૂત અભિગમ વિકસાવવાની તકો ઊભી કરશે, જેનાથી સમગ્ર ભારતમાં સામુદાયિક પ્રાણીઓની જરૂરિયાતો પ્રત્યે વધુ સુગ્રથિત સામૂહિક પ્રતિસાદ તૈયાર થશે.
‘એવરી લાઈફ મેટર્સ’નું વિસ્તરણ
‘ચેમ્પિયન્સ ઓફ કેર’ એ ‘એવરી લાઈફ મેટર્સ’ પ્રત્યેની વનતારાની પ્રતિબદ્ધતાનું જ વિસ્તરણ છે. આ વિચાર માત્ર વનતારાની સંભાળ હેઠળના પ્રાણીઓ પૂરતો સીમિત ન રહેતાં, સમગ્ર ભારતમાં સામુદાયિક પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ દ્વારા રોજબરોજ સંભાળ મેળવતા અસંખ્ય પ્રાણીઓ સુધી પહોંચે છે. આ સંસ્થાઓના સમર્થનમાં ઊભા રહીને, આ પહેલ સામુદાયિક પ્રાણી કલ્યાણને સશક્ત બનાવવા અને વધુને વધુ મૂંગા જીવોને યોગ્ય સંભાળ, કરુણા અને ગૌરવ મળે તે સુનિશ્ચિત કરવા માંગે છે.
સંપાદકીય નોંધ:
એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (AWBI)ના આઠ સભ્યોએ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ સંમેલનમાં હાજરી આપી હતી: શ્રી ગિરીશ જે. શાહ, શ્રી રાજીવ ગુપ્તા, IAS (નિવૃત્ત), પ્રો. આર. એસ. ચૌહાણ, શ્રી રામકૃષ્ણ રઘુવંશી, શ્રી આર. રઘુ રામ શર્મા, સુશ્રી અંજલિ ગોપાલન, શ્રી એસ. પી. ગુપ્તા, IAS (નિવૃત્ત), અને શ્રી અજીત શરદ કેળકર.
‘ચેમ્પિયન્સ ઓફ કેર’ પહેલમાં સહભાગી થયેલી પ્રાણી કલ્યાણ સંસ્થાઓ નીચે મુજબ છે:
ઓલ અબાઉટ ધેમ (મુંબઈ, મહારાષ્ટ્ર), એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ (ખંભાળિયા, ગુજરાત), એનિમલ કેર ટ્રસ્ટ (મંગલુરુ, કર્ણાટક), એનિમલ વેલ્ફેર એન્ડ કેર સર્વિસીસ ચેરિટેબલ ટ્રસ્ટ (લોહરકા કલાં, અમૃતસર, પંજાબ), અરહમ ઓલવેઝ કેર (કલ્યાણ, મહારાષ્ટ્ર), આશા ફાઉન્ડેશન (અમદાવાદ, ગુજરાત), આશ્રય (એન્જલ્સ શેલ્ટર હોમ ફોર રેસ્ક્યુ એનિમલ્સ) (હલ્દવાની, ઉત્તરાખંડ), બ્લુ ક્રોસ ઓફ ઇન્ડિયા (ચેન્નાઈ, તમિલનાડુ), કેપ (CAPE) ફાઉન્ડેશન (કોલકાતા, પશ્ચિમ બંગાળ), કેરઅસ્ટ્રે ફાઉન્ડેશન (આંકલાવ, ગુજરાત), ચામ્બા એનિમલ વેલ્ફેર સોસાયટી (લેહ, લદ્દાખ), કમ્પેશન અનલિમિટેડ પ્લસ એક્શન – કૂપા (CUPA) (બેંગલુરુ, કર્ણાટક), ક્રેસવેલ ફાઉન્ડેશન (બારામુલ્લા, જમ્મુ અને કાશ્મીર), દુલારી એનિમલ કેર સેન્ટર / વસુંધરા એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ (નોઇડા, ઉત્તર પ્રદેશ), હેપ્પી પોઝ ફાઉન્ડેશન (મુંબઈ, મહારાષ્ટ્ર), હેલ્પ ઇન સફરિંગ (જયપુર, રાજસ્થાન), હ્યુમેન એનિમલ સોસાયટી (કોયમ્બતૂર, તમિલનાડુ), ઇન ડિફેન્સ ઓફ એનિમલ્સ (મુંબઈ, મહારાષ્ટ્ર), જેબીએફ (JBF) ઇન્ડિયા ટ્રસ્ટ (ગુવાહાટી, આસામ), જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ, ગુજરાત), કે-નાઇન એનિમલ વેલ્ફેર સોસાયટી (અગરતલા, ત્રિપુરા), કાશ્મીર એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન (બડગામ, જમ્મુ અને કાશ્મીર), માયપાલક્લબ ફાઉન્ડેશન (મુંબઈ, મહારાષ્ટ્ર), વન રૂફ એનિમલ કેર (જામનગર, ગુજરાત), પરેવડા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ, ગુજરાત), પો (PAW) કન્નુર (કન્નુર, કેરળ), પશુધરા જીવરક્ષક એનિમલ કેર ફાઉન્ડેશન (વારાણસી, ઉત્તર પ્રદેશ), પોઝ (PAWS) ત્રિશૂર (ત્રિશૂર, કેરળ), પીપલ ફોર એનિમલ્સ (ભિલાઈ, છત્તીસગઢ), પીપલ ફોર એનિમલ્સ (ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ), પીપલ ફોર એનિમલ્સ (ગુરુગ્રામ, હરિયાણા), પીપલ ફોર એનિમલ્સ (ગુવાહાટી, આસામ), પીપલ ફોર એનિમલ્સ (ખામગાંવ, મહારાષ્ટ્ર), પીપલ ફોર એનિમલ્સ (કોલ્લમ, કેરળ), પીપલ ફોર એનિમલ્સ (કોલકાતા, પશ્ચિમ બંગાળ), પીપલ ફોર એનિમલ્સ (રાયપુર, છત્તીસગઢ), પીપલ ફોર એનિમલ્સ (સિક્કિમ), પીપલ ફોર એનિમલ્સ (તિરુવનંતપુરમ, કેરળ), પેટાનિટી એન્ડ એનિમલ રિહેબિલિટેટર્સ ફાઉન્ડેશન (ચંદ્રપુર, મહારાષ્ટ્ર), પર્પસફુલ પ્લેનેટ ફાઉન્ડેશન (બાંકુરા, પશ્ચિમ બંગાળ), રેસ્ક્યુ ફાઉન્ડેશન (ગુજરાત) (અમદાવાદ, ગુજરાત), સંઘમિત્રા એનિમલ ફાઉન્ડેશન (વિજયવાડા, આંધ્રપ્રદેશ), સેવ એનિમલ્સ વેલ્યુ એન્વાયર્નમેન્ટ (જમ્મુ, જમ્મુ અને કાશ્મીર), સ્ટ્રેકેર (કુલ્લુ, હિમાચલ પ્રદેશ), ધ ફેલાઇન ફાઉન્ડેશન (મુંબઈ, મહારાષ્ટ્ર), ધ સ્ટ્રે આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ (ચાકુલિયા/જમશેદપુર, ઝારખંડ), ટ્રી ઓફ લાઈફ ફોર એનિમલ્સ (અજમેર, રાજસ્થાન), વસુધૈવ કુટુંબકમ (બલ્લારી, કર્ણાટક), વેફા – WEFAA (ત્રિશૂર, કેરળ), વેલ્ફેર ફોર એનિમલ્સ ઇન ગોવા – WAG (ગોવા), અને વર્લ્ડ ફોર ઓલ એનિમલ કેર એન્ડ એડોપ્શન્સ (મુંબઈ, મહારાષ્ટ્ર).
