ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું, અને 13 ગોલ્ડ સહિત 39 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું. આ અભિયાન ભારતીય રમતગમત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
શ્રીમતી નીતા એમ અંબાણી – “ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરવા બદલ ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન, જેમાં આપણા ખેલાડીઓએ અવિશ્વસનીય 39 મેડલ જીત્યા. દરેક મેડલ પાછળ અસાધારણ સમર્પણભાવ, ત્યાગ, બલિદાન અને આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવાની અદમ્ય ભાવનાનું ઝનૂન રહેલું છે. આપણા બોક્સરોએ રેકોર્ડબ્રેક મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, જ્યારે આપણી મહિલા ખેલાડીઓએ તેજસ્વી દેખાવ કરીને ભારતના મોટાભાગના ગોલ્ડ મેડલ અંકે કર્યા અને ફરી એકવાર સાબિત કર્યું કે જ્યારે પણ તક મળે છે, ત્યારે તેઓ વિશ્વના સૌથી મોટા મુકામ પર જીત હાંસલ કરી શકે છે. આપણા પેરા–એથ્લીટ્સે તેમનું કોમનવેલ્થ ગેમ્સનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, દરેક ભારતીયને તેમની હિંમત, દૃઢનિશ્ચય અને કોઈપણ સ્વપ્નને સાકાર કરવાના અતૂટ વિશ્વાસ થકી તેઓએ પ્રેરણા આપી છે. મને સવિશેષ આનંદ છે કે અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્સ – લવલીના બોર્ગોહેન, મુરલી શ્રીશંકર અને તેજસ્વિન શંકરે તેમના નોંધપાત્ર પ્રદર્શન દ્વારા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. રિલાયન્સ ફાઉન્ડેશનમાં, અમે પાયાના સ્તરથી લઈને વૈશ્વિક સ્તરે રમતગમત પ્રતિભાની માવજત અને કેળવણી કરવામાં માનીએ છીએ, જેથી દરેક ખેલાડી તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવા માટે સશક્ત બને ભારત હવે ઐતિહાસિક શતાબ્દીક કોમનવેલ્થ ગેમ્સનું 2030માં આયોજન કરવા થનગની રહ્યું છે, ત્યારે આ ચેમ્પિયનોએ નવી પેઢીના સપનાંને પ્રજ્જવલિત કર્યા છે. તેમની સિદ્ધિઓ આપણને યાદ અપાવે છે કે ભારતની રમતગમત સફરની આ તો ફક્ત શરૂઆત છે, અને આપણું શ્રેષ્ઠ પ્રદર્શન હજી બાકી છે. તેમની આ સફળતા દરેક યુવા ભારતીયને નિર્ભયતાથી સ્વપ્ન જોવા, તેને સાકાર કરવા માટે અથાગ મહેનત કરવા અને ગર્વથી ત્રિરંગો લહેરાવવાની પ્રેરણા આપે તેવી કામના....
